ખોટા વ્યક્તિને ઉભો કરી 3 એકર 39 ગુઠા જમીનના રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ બનાવી લીધાની ફરિયાદ, કૌભાંડમાં 4 શખ્સોની સંડોવણી હોવાનો આક્ષેપ
મોરબી જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ ફરિયાદ માટે અરજી કરવામાં આવી છે. જેમાં રવાપર ગામમાં ખાનગી માલિકીની અંદાજે રૂ. 30 કરોડની કિંમતની 3 એકર 39 ગુઠા જમીન ખોટા વ્યક્તિને ઉભો કરી રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ બનાવી હડપ કરવાના કારસા સામે કલેકટરને લેખિત ફરિયાદ કરાઈ.
આ બનાવ અંગે વિગત આપતા એડવોકેટ મહેન્દ્રકુમાર એમ.પાટડીયાએ જણાવ્યું કે તેઓના અસીલ દેવજીભાઈ ઝીણાભાઈ ચાવડા રહે. બોરીચા પાટીવાડી વિસ્તાર, મચ્છું-2 કેનાલની બાજુમાં, મોરબીવાળા રવાપર ખાતે સર્વે નં. 26/3ની હે.આ.રે.ચો.મી. 1-60-86 તેના એ. 3-39 ગુઠાની ખેડવાણ જમીન રજીસ્ટર્ડ અઘાટ વેચાણ દસ્તાવેજ અનુક્રમ નં. 1032 તા.21/04/1988ના રોજ આ મિલકત પુરોગામી માલિક તે પરમાર નોંધણભાઈ જલાભાઈ પાસેથી અઘાટ વેચાણ રાખેલી છે ત્યારથી જ આ ખેત જમીન વાવવારૂના નામે અસીલના પ્રત્યક્ષ સુવાંગ માલિકી કબજા ભોગવટે આવેલ છે. રેવન્યુ રેકોર્ડમાં પણ જમીન અસીલના સુવાંગ નામે આવેલ છે. રવાપરના હક્કપત્રકમાં ઘણા વર્ષો પહેલા રેવન્યુ નોંધ પણ મંજુર થયેલ છે. તેમ છતાં હરેશ વિનોદભાઈ સગપરિયા રહે.રાજકોટ અને ગિરધરભાઈ નાથાભાઈ ઘેલાણી રહે.સડકપીપળીયા તા.ગોંડલવાળાએ પોતાના મળતીયાની સાથે મળી અન્ય વેચાણ આપનારને સબ રજિસ્ટ્રાર કચેરીએ ઉભા રાખી ખોટા આઈડી, ફોટોગ્રાફને આધારે ખોટા દસ્તાવેજ રજૂ કરી કૌભાંડકારી રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ ઉભો કર્યો છે જેમાં વેચાણ લેનારાઓના સાક્ષી તરીકે ધવલભાઈ કિશોરભાઈ માલકિયા રહે. રાજકોટ અને જીતેન્દ્રભાઈ રમેશભાઈ ગોહેલ રાજકોટવાળાએ ખોટી ઓળખ આપેલી છે. આ સમગ્ર કૌભાંડ સામે અસીલ તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં વેચાણ લેનારાઓના નામે થયેલ હક્કપત્રકની નોંધ મંજુર કરવા સામે મામલતદારને વાંધા અરજી રજૂ કરવામાં આવી છે. તા.7/12/2020 વાળા વેચાણ દસ્તાવેજ રદ કરવા અને માલિકી તથા કબજા અંગે જરૂરી દાદ માંગતો દાવો એડી. સેકન્ડ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં તા.22ના રોજ દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જિલ્લા કલેકટરને નવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે આ પ્રથમ ફરિયાદ પણ કરવામાં આવી છે.