વાંકાનેર તાલુકાના રાતવીરડા ગામથી સરતાનપર રોડ ઉપર બાઈક સવાર બે વ્યક્તિને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઇ અકસ્માત સર્જી પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે સારવાર દરમિયાન બાઈક ચાલકનું મૃત્યુ નિપજતા મૃતકની પત્ની દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા. પોલીસે અકસ્માતમાં મૃત્યુ તથા મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જીલ્લાના સરોડા ગામના ભયજીવાળું ફળિયુમાં રહેતા વિનાબેન બાદરભાઇ બાબરભાઇ ચૌહાણ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે તા.૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં રાતાવીરડા સરતાનપર રોડ સ્વેલ સીરામીક પહેલા નાના પુલીયા પાસે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેફીકરાઇ અને ગફલતભરી રીતે વધુ સ્પીડમાં ચલાવી બાદરભાઇ બાબરભાઇ ચૌહાણના મોટર સાયકલ હીરો સ્પલેન્ડર રજી.નં જીજે-૩૬-ડી-૬૬૦૩વાળાને પાછળથી ઠોકર મારી બાદરભાઈ તથા પાછળ બેસેલ કરણ અજકુમાર રાણાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાદરભાઇનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું, જયારે કરણ અજયકુમાર રાણા ગંભીર ઇજાઓને પગલે હજુ સારવાર હેઠળ છે જે મુજબની ફરિયાદ નોંધાવતા હાલ પૌલુસે અજાણ્યા વાહ ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.