હળવદના ગ્રામ્ય વિસ્તારના એક ગામમાં ૧૮ વર્ષીય યુવતી ભેંસો ચરાવીને ઘરે જઈ રહી હોય ત્યારે બે રોમિયોટાઈપ લુખ્ખાએ યુવતીની શારીરિક છેડતી કરી હોવાની ફરિયાદ ભોગ બનનાર યુવતી દ્વારા હળવદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના એક ગામમાં રહેતી ૧૮ વર્ષીય યુવતીએ આરોપી રામજીભાઈ વેલાભાઈ કુણપરા રહે.હળવદ તાલુકાના માલણિયાદ ગામ તથા એક અજાણ્યા ઈસમ એમ બે આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા. ૧૧/૦૭ના રોજ સાંજના સુમારે ફરીયાદી યુવતી ભેંસો લઈ ગામમાં કેનાલ રોડ પર થઈને ઘરે આવવા નિકળેલ ત્યારે કેનાલમાં બંને આરોપીઓ નાહતાં હતાં. ત્યારે યુવતીને જોઇ આ બન્ને રોમિયોછાપ લુખ્ખાઓએ તાળી પાડેલ પરંતુ યુવતીએ કોઈ ધ્યાન આપેલ નહી.અને યુવતી ઘર તરફ ચાલવા લાગેલ જ્યાંથી થોડે દુર યુવતી પહોંચી હશે ત્યારે તાળી પાડનાર બન્ને આરોપીઓએ મોટર સાઈકલ લઈ યુવતીનો પિછો કરી ચાલતાં મોટરસાઈકલે યુવતીની શારીરિક છેડતી કરી હતી. ત્યારે યુવતી સાથે બનેલ બનાવથી હતપ્રત થઈ ગયેલ યુવતી દ્વારા બંને આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.