વાંકાનેર ફાયરીંગ બટ ખાતે રાજકોટ શહેર પોલીસ દળના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ફાયરિંગ પ્રેક્ટિસ લેવાની હોવાથી આગામી તારીખ ૨૮/૦૧/૨૦૨૫ થી ૦૮/૦૩/૨૦૨૫ સુધી આમ કુલ ૪૦ દિવસ માટે વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર, વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનની સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે. તે ફાયરીંગ બટ વિસ્તારમાં આગામી તારીખ ૨૮/૦૧/૨૦૨૫ થી ૦૮/૦૩/૨૦૨૫ સુધી કુલ ૪૦ દિવસ માટે જાહેર જનતાના પ્રવેશ પાર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. જે પ્રતિબંધાત્મક હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૩૧ ની કલમ-૧૩૧ અને ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.