માગશર મહિનાના શુક્લ પક્ષની પાંચમ ની તિથિ નો અનેરો દિવસ એટલે વસંત પંચમી. આજના દિવસે વિનય, વિવેક અને સુબુદ્ધિના આશિષ મેળવવા માટે વાણીની દેવી સરસ્વતીનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. વસંત પંચમી એટલે વસંતઋતુનું આગમન. ભારતના દરેક રાજ્યોમાં વસંત પંચમી નો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે પીળા અથવા સફેદ વસ્ત્રો ધારણ કરવાની પ્રથા છે. એક માન્યતા પ્રમાણે માગશર મહિનાની શુક્લ પક્ષની પાંચમે બ્રહ્માજીના મુખમાંથી મા સરસ્વતી પ્રગટ થયા હોવાથી તેનું પૂજન કરવાની પ્રથા ચાલી આવે છે. વસંત પંચમીને જ્ઞાનપંચમી અથવા શ્રી પંચમી પણ કહેવાય છે. આ દિવસને કળા, સંગીત કે નવી શિક્ષા પ્રારંભ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. વળી વસંત પંચમી થી વસંત ઋતુની શરૂઆત થતી હોવાથી વાતાવરણ આહલાદક હોય છે. એટલે જ વસંત ઋતુ સૌની પ્રિય ઋતુ ગણાય છે. આજના દિવસે શાળા અને કોલેજોમાં મા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે.
હાલમાં શાળા બંધ હોવાથી આ પાવન દિવસે મા સરસ્વતી પાસેથી વિદ્યાના આશિષ મેળવવા માટે શ્રી ભરતનગર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ઘેર રહીને જ મા સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું અને વસંત બહાર ને વધાવવા તેમને અનુરૂપ નિબંધ લેખન અને ચિત્રો પણ દોરવામાં આવ્યા હતાં.