મોરબી જિલ્લા રોજગાર અધિકારીની કચરો દ્વારા મોરબી જિલ્લામાં આર્મી, એરફોર્સ, સહિતના ફોર્સમાં જોડાવા માંગતા પુરુષ ઉમેદવારો માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતી પૂર્વે શારીરિક ક્ષમતા માટેના ૩૦ દિવસીય તાલીમવર્ગમાં ઈચ્છુક ઉમેદવારોએ ૨૧ જૂન સુધીમાં જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા અધિકારીએ જણાવ્યું છે.
મોરબી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળો, પેરા મીલીટરી ફોર્સીસ તેમજ પોલીસ ફોર્સ વગેરેમાં વધુમાં વધુ પ્રમાણમાં ઉમેદવારો જોડાય તે હેતુથી ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક ક્ષમતા માટેની નિવાસી તાલીમ (રહેવા જમવાની સગવડની સાથે) ૩૦ દિવસ માટેના ફક્ત પુરૂષ ઉમેદવારો માટે તાલીમવર્ગનું આયોજન ફક્ત મોરબી જિલ્લાના ઉમેદવારો માટે મોરબી જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. જે તાલીમ વર્ગમાં જોડાવવા માંગતા ઉમેદવારોની ઉંમર-૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ, અભ્યાસ ધો. ૧૦ પાસ કે તેથી વધું, ધો. ૧૦માં ઓછામાં ઓછા ૫૦% ફરજીયાત અને દરેક વિષયમાં ૩૩% માર્કસ ફરજીયાત, ધો.૧૨ પાસ, ઉંચાઇ ૧૬૮ સે.મી. કે તેથી વધુ, વજન-૫૦ કિ.ગ્રા. કે તેથી વધુ, છાતી ૭૭ સે.સી.(ફુલાવ્યા વગર) અને ૮૨ સે.મી.(ફુલાવીને) તેમજ તબીબી રીતે ફીટ હોવું જરૂરી છે. જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રો સાથે તા.૨૧/૦૬/૨૦૨૫ સુધીમાં (રજા સિવાયના દિવસો દરમિયાન) ૧૦:૩૦ થી ૦૬:૦૦ સુધીમાં જિલ્લા રોજગાર કચેરીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે. તેમજ અગાઉ કચેરી દ્વારા આયોજીત નિવાસી તાલીમમાં ભાગ લીધો હોય તેવા ઉમેદવાર પ્રવેશપાત્ર રહેશે નહી. વધુ માહિતી માટે કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૮૨૨ – ૨૪૦૪૧૯ પર સંપર્ક કરવા મોરબી જિલ્લા રોજગાર કચેરીમાં અધિકારીએ યાદીમાં જણાવ્યું છે.