માળીયા મીયાણા વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે ઇસમો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. માળીયા(મી) પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવતાં મોરબી મેજીસ્ટ્રેટ દ્વારા બે આરોપીઓ સામે પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેના આધારે બંનેને અટકાયત કરી પાસા એક્ટ હેઠળ ડિટેઇન કરી મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે.
માળીયા(મી) વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનાઓને અંકુશમાં લેવા માટે માળીયા(મી) પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અનુસંધાને માળીયા(મી) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પ્રોહીબીશનના ગુનામાં વારંવાર સંડોવાયેલા ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત તૈયાર કરી મોરબીના મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ત્યારે મેજીસ્ટ્રેટ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે આરોપી અલ્તાફભાઇ હસણભાઇ સંઘવાણી અને મકબુલભાઇ ગફુરભાઇ સામતાણી રહે. બંને વીર વિદરકા ગામ તા.માળીયા(મી) વાળા સામે પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. વોરંટ મળતાં જ માળીયા(મી) પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બંને આરોપીઓને સત્વરે અટકાયત કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓને પાસા એક્ટ તળે ડિટેઇન કરી એકને મધ્યસ્થ જેલ ભાવનગર તથા બીજા આરોપીને મધ્યસ્થ જેલ જુનાગઢ ખાતે હવાલે કર્યા છે.









