વાડીના મકાન સામે લોહીલુહાણ હાલતમાં મળી ૨૭ વર્ષીય યુવકની લાશ, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી નિર્મમ હત્યા.
હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે ૨૭ વર્ષીય ખેડૂત યુવક અનિલભાઈ જાદવની હત્યા થયાની ઘટના સામે આવી છે. યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતાં અજાણ્યા વિરુદ્ધ મૃતકના કાકાએ હત્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ મોરબી જીલ્લા પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ સહિતની તજવીજ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ચંદ્રગઢ ગામે રહેતા અનિલભાઈ રામજીભાઈ જાદવ ઉવ.૨૭ની ગત તા. ૧૨ ઓક્ટોબરની રાત્રે વાડીના મકાન સામે લોહીલુહાણ હાલતમાં લાશ પડેલી હોવાની જાણ થઈ હતી. જેથી મૃતકના કાકા શામજીભાઈ પોતાના પુત્ર સાથે વાડીએ પહોંચ્યા ત્યારે અનિલભાઈના માથાના ઉપરના ભાગે ગંભીર ઈજા થઈ હાલતમાં લાશ મળી હતી. ઘટનાની જાણ કરતાં અન્ય પરિવારજનો અને ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસને ૧૧૨ નંબર પર જાણ કરવામાં આવતા, મોરબી જીલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ બનાવમાં કોઈ અજાણ્યા શખ્સે હથિયાર અથવા બોથડ પદાર્થ વડે માથાના ભાગે જીવલેણ ઈજા પહોંચાડી અનિલભાઈની હત્યા કરી હોવાની ફરિયાદ મૃતકના કાકા શામજીભાઈ કરશનભાઈ જાદવ રહે.ચંદ્રગઢ તા.હળવદ વાળાએ નોંધાવી છે. હાલ હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.






