મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોના રક્ષણ માટે નાઈટ-ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દરમિયાન ઠંડીમાં ફૂટપાથ પર રહેતા ૩૬ ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે આશ્રયગૃહમાં સ્થળાંતર કરી રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
મોરબી શહેરમાં કડકડતી ઠંડીમાં ઘરવિહોણા અને નિરાધાર લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુથી મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા મહત્વપૂર્ણ અને માનવતાભરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરી ઘરવિહોણા લોકો માટે આશ્રય સુવિધા ઉપલબ્ધ કરાવવા નાઈટ-ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા લોકોને નિઃશુલ્ક રહેવા, જમવા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે. આ આશ્રયગૃહનું સંચાલન મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રી સિદ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ગત તા.૦૨/૦૨ના રોજ રાત્રિના સમયે કમિશ્નર અને નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી. શાખા તથા સંસ્થાના સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત લેવામાં આવી હતી. બાદ કાઉન્સેલિંગ દ્વારા તેમને આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરી સુરક્ષિત રીતે આશ્રયગૃહ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
આ નાઈટ-ડ્રાઈવ અંતર્ગત કુલ ૩૬ ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે આશ્રયગૃહમાં પહોંચાડવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા વધુને વધુ ઘરવિહોણા લોકો આ આશ્રયગૃહનો લાભ લે તે માટે કમિશ્નરે જાહેર અનુરોધ પણ કર્યો છે.









