ટંકારા તાલુકાના સાવડી ગામે ફુલઝર નદીના પુલ ઉપર સાયકલનો ઓવરટેક કરી રહેલ ડબલ સવારી મોટર સાયકલના ચાલકે સાયકલને પાછળથી જોરદાર ટક્કર મારતા, સાયકલ ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા, તેને ટંકારા, મોરબી બાદ રાજકોટ રીફર કરતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપી મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારાના સાવડી ગામે રહેતા પ્રવીણભાઈ ઉગાભાઈ ગોહેલ ઉવ.૫૧ ગઈ તા.૧૫/૦૧ના રોજ પોતાની સાયકલ લઈને સાવડી ગામે ફુલઝર નદીના પુલ ઉપર થઈને પોતાના ઘરે જતા હોય તે દરમિયાન પાછળથી આવતા હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. એમપી-૧૧-એનજી-૮૯૧૯ ડબલ સવારી મોટર સાયકલ ચલાવી ફૂલ સ્પીડમાં આવી સાયકલની સાઈડ કાપવા જતા, મોટર સાયકલને ચાલકે સાયકલને હડફેટે લેતા, સાયકલ ચાલક પ્રવીણભાઈ રોડ ઉપર પટકાયા હતા, જેથી તેઓને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ટંકારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટ ખાતે સારવાર ચાલુ હોય તે દરમિયાન ચાલુ સારવારમાં પ્રવિણભાઈનું તા.૧૯/૦૧ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ હીરાભાઈ ઉગાભાઈ ગોહેલે આરોપી મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









