મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આજ રોજ મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા સિરામિક ઉદ્યોગના પ્રશ્નોને લઈને વિશ્રુત રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતો સાંભળી મુખ્યમંત્રીએ હકારાત્મ પ્રતિઉત્તર આપ્યું હતું.
ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા અને મોહનભાઇ કુંડારિયા સાથે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ મનોજભાઇ એરવાડીયા, હરેશભાઇ બોપલિયા તેમજ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને સીએમ હાઉસ ખાતે રુબરુ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સિરામિક ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નોની વિસ્તૃત રીતે રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને બાંધકામ ક્ષેત્રમાં ઊંચા જંત્રીના દરોને કારણે જુના સિરામિક યુનિટોના ખરીદ-વેચાણમાં થતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરાઈ હતી. આ બાબતે મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી તાત્કાલિક નિરાકરણ આવે તે દિશામાં જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી હતી.
હાલમાં સિરામિક ક્લસ્ટરમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૯૦ કિલોમીટર જેટલા કુલ ૫૫ ઇન્ટરનલ સીસી રોડ રસ્તાઓ ઉત્તમ ગુણવત્તા અને ટકાઉ રીતે બનાવવામાં આવ્યા છે. આ કાર્ય બદલ રોડ વિભાગના સંકળાયેલા અધિકારીઓને એસોસિએશન દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. સાથે જ બાકી રહેલા ૧૫૩ સીસી રોડ રસ્તાઓને વહેલી તકે મંજૂરી આપવામાં આવે તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ આ ફાઇલને તાત્કાલિક વર્ક ઓર્ડર આપવાનો હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. આ ઉપરાંત, મુખ્યમંત્રી જ્યારે મોરબીની મુલાકાતે આવ્યા હતા. ત્યારે સ્વચ્છતા બાબતે વિશેષ ભાર મૂક્યો હતો, તે બાબતનું સ્મરણ કરાવી સિરામિક ક્લસ્ટરમાં રોડ સફાઈ માટે ૬ રોડ સ્વિપર ટ્રકની માંગણી કરવામાં આવી હતી. આ બાબતે પણ મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ સાથે ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.









