મોરબી-માળીયા નેશનલ હાઇવે ઉપર ગાળા ગામના પાટીયા નજીક વધુ એક રોડ અકસ્માતમાં ટ્રક હડફેટે મોટર સાયકલ ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ મામલે મૃતકના ભાઈ દ્વારા તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, જામનગર જીલ્લાના બાલંભા ગામે રહેતા વિરજીભાઈ નરશીભાઈ રાઠોડ ઉવ.૪૫ એ મોરબી તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈકાલ તા.૧૧/૦૨ ના રોજ તેમના નાનાભાઈ રમેશભાઈ સાંજે તેમનું મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએ-૬૧૩૩ વાળું લઈને લક્ષ્મીનગરથી વેજલપર માતાજીના માંડવામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન ગાળા ગામના પાટીયા પાસે ટ્રક કન્ટેઇનર રજી.નં. જીજે-૧૨-બીએક્સ-૭૩૯૯ના ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી આવી રમેશભાઈના મોટરસાયકલને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં રમેશભાઈ રોડ ઉપર પડી જતા, તેઓને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેમનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક કન્ટેઇનર ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે આરોપી ટ્રક કન્ટેઇનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









