મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)ના બીએલસી ઘટક હેઠળ લાભ લેવા ઈચ્છતા પાત્ર નાગરિકો માટે ઓનલાઈન ડીમાન્ડ સર્વેની નોંધણી શરૂ કરવામાં આવી છે.
મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી)ના બેનીફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન ઘટક હેઠળ પાત્ર લાભાર્થીઓને ૩૦થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીનું પાકું નવું મકાન બાંધવા માટે સહાય આપવામાં આવશે. મકાનમાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું અને શૌચાલય-બાથરૂમની સુવિધા રાખવાની રહેશે. આ યોજના હેઠળ પ્રતિ આવાસ કેન્દ્ર સરકાર તરફથી રૂ.૧.૫૦ લાખ અને રાજ્ય સરકાર તરફથી રૂ.૨.૫૦ લાખ મળી કુલ રૂ.૪ લાખની સહાય ચાર હપ્તામાં આપવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પોતાની માલિકીનું કાચું, અર્ધકાચું, જર્જરિત મકાન અથવા ખુલ્લો પ્લોટ ધરાવતા અને કુટુંબની વાર્ષિક આવક રૂ.૩ લાખ સુધીની હોય તેવા નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકશે. ઉપરાંત, અરજદારે સમગ્ર ભારતમાં અગાઉ આવાસ યોજનાના કોઈપણ ઘટક હેઠળ લાભ મેળવેલો ન હોવો જોઈએ. પાત્ર નાગરિકો પોતાના માલિકીના પ્લોટ પર પાકું નવું મકાન બનાવવા ઈચ્છતા હોય તો મોરબી મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલા ઓનલાઈન પોર્ટલ પર બીએલસી ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.






