નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની CCRT વર્કશોપમાં ગુજરાતની ટીમે પ્રકૃતિ અને સાંસ્કૃતિક વારસાના સમન્વયને આધારે વિશેષ પ્રસ્તુતિ આપી આગવી ઓળખ ઉભી કરી હતી. ૯ રાજ્યોના ૫૩ શિક્ષકોની હાજરી વચ્ચે ગુજરાતની કૃતિને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી.
નવી દિલ્હી સ્થિત CCRT (Centre for Cultural Resources and Training) ખાતે “Role of Schools in Conservation of Nature & Cultural Heritage” વિષય પર રાષ્ટ્રીય કક્ષાની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ યોજાયેલી આ વર્કશોપમાં દેશના ૯ રાજ્યોમાંથી કુલ ૫૩ શિક્ષકોએ ભાગ લીધો હતો. તેમાં ગુજરાતની ટીમે પોતાની અનોખી અને સર્જનાત્મક પ્રસ્તુતિ દ્વારા ખાસ છાપ છોડી હતી. વર્કશોપનો મુખ્ય હેતુ શાળાઓના માધ્યમથી કુદરતી પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો હતો. શિક્ષણ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું ન રહી, પરંતુ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિપ્રેમ અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તે માટે શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના ભાગરૂપે તા.૧૧-૦૨-૨૦૨૬ના રોજ ગુજરાતના પ્રતિનિધિ શિક્ષકો દ્વારા વિશેષ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસ્તુતિમાં ગુજરાતની સમૃદ્ધ લોકપરંપરા, લોકકલા, પ્રાકૃતિક સંસાધનો અને સંસ્કૃતિ સાથેનો આત્મીય સંબંધ જીવંત રીતે દર્શાવવામાં આવ્યો હતો. પ્રસ્તુતિ દ્વારા ‘પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય’નો અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કાજલ મકવાણા, ખ્યાતિ ગર, સરવૈયા હિમાંશુ એમ., રાજ અરૂણકુમાર જે. અને ડો. કિરીટ સોમૈયા સહિતના શિક્ષકોએ કર્યું હતું. તમામ શિક્ષકોએ સમૂહ પ્રયાસથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગુજરાતની ટીમે પોતાની રજૂઆત દ્વારા સ્પષ્ટ કર્યું કે શિક્ષણમાં માત્ર પાઠ્યપુસ્તકો જ નહીં, પરંતુ આપણા આસપાસની પ્રકૃતિ, પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું પણ મહત્વપૂર્ણ સ્થાન છે. વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત પ્રતિનિધિઓ તથા મહાનુભાવોએ ગુજરાતની આ કલાત્મક અને સંદેશસભર પ્રસ્તુતિને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા. આ વર્કશોપ આગામી સમયમાં શિક્ષકોને પર્યાવરણપ્રેમી અને સંસ્કૃતિના સચેત રક્ષક તરીકે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.









