મોરબી મહાનગરપાલિકાની ગાર્ડનશાખા દ્વારા જાહેર સુરક્ષા અને અંડરગ્રાઉન્ડ સુવિધાઓને નુકસાનની શક્યતા ધ્યાનમાં રાખી સૂરજબાગ અને અયોધ્યાપૂરી રોડ વિસ્તારમાંથી કુલ પાંચ જેટલા જોખમી કોનાકાર્પસ વૃક્ષો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
મોરબી મહાનગરપાલિકા શહેરમાં હરિયાળી જાળવવા સાથે જાહેર સુવિધાઓનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા સમયાંતરે વૃક્ષોની સ્થિતિનું નિરીક્ષણ કરે છે. આ અંતર્ગત ગાર્ડનશાખાની ટીમે સૂરજબાગ તથા અયોધ્યાપૂરી રોડ પર સાઇટ વિઝિટ કરી હતી. વિઝિટ દરમિયાન સૂરજબાગ વિસ્તારમાં આવેલ ૩ અને અયોધ્યાપૂરી રોડ પર ૨ મળી કુલ ૫ જોખમી કોનાકાર્પસ વૃક્ષો જોવા મળતા, તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપા મુજબ કોનાકાર્પસ વૃક્ષોના મૂળીયા ઝડપથી અને વિસ્તૃત રીતે ફેલાતા હોવાથી રોડ, ફૂટપાથ, પેવર બ્લોક તેમજ અંડરગ્રાઉન્ડ પાણી અને ડ્રેનેજ લાઇનને નુકસાન થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત વૃક્ષોની ઘન વૃદ્ધિ અને ઊંચાઈને કારણે પવન દરમિયાન ડાળીઓ તૂટીને પડવાની શક્યતા રહેતી હોવાથી જાહેર સુરક્ષા માટે જોખમ ઊભું થાય છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખી ગાર્ડનશાખા દ્વારા જોખમકારક વૃક્ષોને દૂર કરવામાં આવ્યા છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હરિયાળી જળવાઈ રહે તે માટે સુરક્ષિત અને પર્યાવરણને અનુરૂપ વૃક્ષોના યોગ્ય સ્થળોએ વાવેતર કરવાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવી હોવાનું નાયબ ઇજનેર ગાર્ડનશાખા દ્વારા જણાવાયું છે.









