મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના તમામ ખાદ્યપદાર્થના વિક્રેતાઓને ઘેર બેઠા ઓનલાઈન ફૂડ લાઇસન્સ અને રજીસ્ટ્રેશન કરવાની સુવિધા અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવે નવા લાઇસન્સ અને રજીસ્ટ્રેશન માટે foscos.fssai.gov.in પોર્ટલ પર સરળતાથી અરજી કરી શકાય છે. આગામી સમયમાં ચકાસણી અને સેમ્પલિંગ પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવનાર હોવાથી વેપારીઓને તાકીદે ઓનલાઈન નોંધણી કરવા અનુરોધ કરાયો છે.
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ખાણી-પીણીના તમામ ધંધાર્થીઓ-મીઠાઈ-ફરસાણના વેપારીઓ, હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકો, કરિયાણા વેપારીઓ, ડેરી-પાર્લર, આઈસ્ક્રીમ વિક્રેતા, લારી-ગલ્લા ચલાવતા વેપારીઓ સહિતને ફૂડ લાઇસન્સ/રજીસ્ટ્રેશન ઓનલાઈન કરાવવાની સૂચના આપવામાં આવી છે. જે વેપારીઓએ હજુ સુધી ફૂડ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓએ તાકીદે foscos.fssai.gov.in વેબસાઇટ પર સવારે ૭ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. પ્રક્રિયા મુજબ પ્રથમ લોગિન બનાવી આઇડી-પાસવર્ડ તૈયાર કરવો, ગુજરાત રાજ્ય પસંદ કરવું, ધંધાનો પ્રકાર પસંદ કરવો, જરૂરી ડિકલેરેશન સ્વીકારવું, નિર્ધારિત ફી ભરવી, ફોર્મમાં વિગતો ભરી ફૂડ પ્રોડક્ટ કેટેગરી પસંદ કરવી અને સ્વ-પ્રમાણિત દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને જરૂર જણાય તો પ્રીમાઇસીસ ઇન્સ્પેક્શન કરવામાં આવશે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ક્યુઆર કોડ સાથેનું ઓનલાઈન લાઇસન્સ જારી કરવામાં આવશે.
ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર દ્વારા નિયમિત રીતે ફૂડ રજીસ્ટ્રેશન, સ્વચ્છતા નિરીક્ષણ અને નમૂનાઓની ચકાસણી કરવામાં આવે છે. આગામી સમયમાં આ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે, તેથી તમામ ખાદ્યપદાર્થના વિક્રેતાઓને નિયમ મુજબ ઓનલાઈન ફૂડ લાઇસન્સ મેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.









