પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નગરપાલિકામાં નોકરી કરતા અને છેલ્લા કેટલાક સમયથી માનસીક બીમારીથી પીડાતા તેમજ મોરબીના કુબેરનાથ રોડ દરબાર શેરીમાં રહેતા જુવાનસિંહ અણદુભા ઝાલા (ઉંમર ૫૫) ઘરેથી તા.૧૯-૩ ના રોજ સવારે દસેક વાગ્યાના અરસામાં બેંકમાંથી રૂપિયા ઉપાડવા જવાનું કહીને બેંકની પાસબુક તેમજ બાઇક લઇને ઘરેથી નીકળ્યા હતા.તેઓ માનસિક બીમાર હોય તેમના દિકરા હરપાલસિંહ ઝાલા (ઉ.વ.૨૭, રહે.દરબાર શેરી આમલી ફળીયુ મોરબી) વાળાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને પોતાના પિતા ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝનના એએસઆઇ વનરાજસિંહ રાણાએ તપાસ શરૂ કરી હતી જેમાં શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતા તેઓ ઘરેથી નીકળ્યા બાદ રવાપર રોડ તરફ જાય છે અને બાદમાં તેમનુ બાઇક બીન વારસી હાલતમાં સીસીટીવીના આધારે કરાયેલ તપાસમાં સામખીયારી પાસેથી મળી આવ્યુ હતુ. જોકે બાદમાં જુવાનસિંહ શહેરના નવલખી રોડ ઉપર જેપુર ગામ પાસે ત્રિમંદિરે હોવાની વાત મળતા ત્યાંથી તેના પુત્રને ફોન કરતાં તેમનો પુત્ર તેમને ત્યાંથી લઈ આવેલ છે. તેઓએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ માતાના મઢે દર્શન કરવા માટે કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા અને સામખીયારીની પાસે તેમના બાઇકમાં પેટ્રોલ પુરૂ થઈ જતા બાઇક ત્યાં મૂકી દીધું હતું. અને દર્શન કરવા માતાના મઢ જવા નીકળ્યા હતા જોકે રસ્તામાં કોઇએ તેમને જણાવ્યું હતુ કે તમે મોરબીથી ગુમ થયા છો..? સમાચારમાં જોયુ હતુ. જેથી જે તે વ્યક્તિએ તેમના પુત્રની સાથે વાત કરાવી હતી અને બાદમાં તેઓને સમજાવીને મોરબી રવાના કરતા તેમનો પુત્ર જુવાનસિંહને નવલખી રોડ ઉપરના જેપુર પાસેથી ઘરે લાવ્યો હતો.