IRC ધોરણ મુજબ નવા સ્પીડ બ્રેકરો નાખવાની કામગીરી પ્રગતિમાં
મોરબી શહેરમાં માર્ગ સલામતી સુધારવા મહાનગરપાલિકાના ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ વિભાગે ટેકનિકલ સર્વે કરી મુખ્ય માર્ગો પરથી ૧૧૮ માપદંડ વિહોણા સ્પીડ બ્રેકરો દૂર કર્યા છે. આ સાથે IRCના ધોરણ મુજબ જરૂરી સ્થળોએ નવા સ્પીડ બ્રેકરો સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.
મોરબી શહેરમાં માર્ગ સલામતીના ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કરવા તથા વાહનવ્યવહાર વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા મોરબી મનપાના ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આવેલ સ્પીડ બ્રેકરો અંગે વિગતવાર ટેકનિકલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન IRC દ્વારા નિર્ધારિત નીતિ-નિયમો અને ટેકનિકલ માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવ્યું હતું. સર્વેના અનુસંધાનમાં મુખ્ય માર્ગો પર અનિયમિત રીતે નિર્મિત તથા વાહનવ્યવહાર માટે અવરોધરૂપ બનેલા કુલ ૧૧૮ સ્પીડ બ્રેકરો દૂર કરવાની કામગીરી નિયમસર પૂર્ણ કરવામાં આવી છે. જેના પરિણામે વાહનવ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બન્યો છે.
આગામી તબક્કા અંતર્ગત IRC ધોરણ મુજબ સ્થળ વિશેષ ટ્રાફિક ઘનતા, માર્ગની પહોળાઈ તેમજ આસપાસ આવેલી શૈક્ષણિક, આરોગ્ય અને રહેણાંક સંસ્થાઓને ધ્યાનમાં રાખી જરૂરી સ્થળોએ નવા સ્પીડ બ્રેકરો સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી ૬ સ્થળોએ ધોરણસર સ્પીડ બ્રેકરો સ્થાપિત કરવામાં આવ્યા છે અને બાકીના સ્થળોએ નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવામાં આવશે. ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાએ જણાવ્યું છે કે આ કામગીરીનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં ઘટાડો, વાહનોની ગતિનું નિયંત્રણ અને નાગરિકોને વધુ સુરક્ષિત માર્ગ વ્યવસ્થા પ્રદાન કરવાનો છે. મહાનગરપાલિકાએ નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ સલામતી જાળવવામાં સહભાગી થવા અપીલ કરી છે.









