ટંકારા તાલુકાના મિતાણા વિસ્તારમાંથી પીજીવીસીએલના આશરે રૂ.૩.૯૫ લાખના એલ્યુમિનિયમ વીજ વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. અગાઉ સાવડી ગામ પાસે રૂ.૧.૯૪ લાખના વાયર ચોરી થયા બાદ હવે વધુ એક બનાવ સામે આવતા પંથકમાં ચકચાર મચ્યો છે. હાલ ટંકારા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ બીએનએસ તથા ઇલેક્ટ્રિકસીટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા તાલુકામાં વીજ વિભાગની માલિકીના એલ્યુમિનિયમ વાયર ચોરીના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં મિતાણા નાના ડેમ વિસ્તાર તથા હીરાપર પાટીયા પાસે આવેલા વિવિધ ફીડર લાઇનમાંથી કુલ રૂ.૩,૯૫,૫૭૭ કિંમતના એલ્યુમિનિયમ વાયરની ચોરી થયાની ફરિયાદ પીજીવીસીએલના નાયબ ઈજનેર અશ્વિનભાઈ દીનેશભાઈ ભુવા દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ તા.૪ ફેબ્રુઆરી ૨૦૨૬ સાંજે ૫ વાગ્યાથી તા.૭ ફેબ્રુઆરી ૨૦૨૬ સવારે ૯:૩૦ વાગ્યા પૂર્વે કોઈ અજાણ્યા શખ્સોએ મિતાણા ૬૬ કે.વી. સબસ્ટેશન નજીક ૧૧ કે.વી. જી.આઇ.ડી.સી. ફીડરના ૧૦૦ SQMMના ૧૫ ગાળા (૧૫૭૫ મીટર), ખોડીયાર ખેતીવાડી ફીડરના ૫૫ SQMMના ૧૬ ગાળા (૧૬૮૦ મીટર), તેમજ હાઇવે અને અરણેશ્વર વર્કસ ફીડર વિસ્તારમાંથી ૧૦૦ SQMMના કુલ ૫૫૬૦ મીટર અને ૫૫ SQMMના ૧૬૮૦ મીટર જેટલા વાયર ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે ટંકારા પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ ૩૦૩(૨) તથા ઈલેક્ટ્રીસિટી એક્ટ કલમ ૧૩૬ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ટંકારા તાલુકાના સાવડી ગામ પાસે આવેલા અરણેશ્વર ફીડર વિસ્તારમાંથી આશરે રૂ.૧.૯૪ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી નોંધાઈ હતી. વારંવાર થતા આવા બનાવોને કારણે ટંકારા પંથકમાં ચિંતા ફેલાઈ છે. હાલ પોલીસને પડકાર અજાણ્યા ચોર ઈસમોને ઝડપી લેવા ટંકારા પોલીસે તપાસની તજવીજ તેજ કરી છે.









