મોરબી શહેરના રવાપર વિસ્તારમાં રહેતા વ્યક્તિ સાથે ઓનલાઈન શિક્ષણના નામે રૂ.૧૧,૦૦૦/-ની છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. દીકરીના અભ્યાસ માટે મોબાઇલમાં Oda Class એપ્લિકેશન મારફતે કોર્સમાં એડમિશન કરાવતા આરોપીઓએ ઓનલાઇન પેમેન્ટ કરાવી લીધું હતું, પરંતુ બાદમાં એનરોલમેન્ટ કે ક્લાસ શરૂ ન થતાં છેતરપિંડી થયાની જાણ થઈ હતી. આ મામલે ભોગ બનનાર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી અને આઇટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.
મોરબીના ઘુનડા રોડ રવાપર ખાતે રહેતા પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી Pigeon Education Tecnology કંપનીની Oda class નામની મોબાઇલ એપ્લીકેશનના જવાબદાર વ્યક્તિઓ જેમા બે મોબાઇલ સીમકાર્ડનો ઉપયોગ કરનાર તથા UPI ID નો ઉપયોગ કરનાર તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.જે ફરિયાદ મુજબ તેમની દીકરી ધોરણ-૮માં અભ્યાસ કરતી હોવાથી અભ્યાસનું સ્તર સુધારવા માટે તેમણે પોતાના મોબાઇલમાં Pigeon Education Technology કંપનીની “Oda Class” નામની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. શરૂઆતમાં તેમણે યુપીઆઈ મારફતે બે વખત રૂ.૪૯/- ચૂકવી કોર્સ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ તા. ૬ એપ્રિલ ૨૯૨૪ના રોજ માસ્ટર કોર્સમાં એડમિશન માટે રૂ.૧,૦૦૦/- પણ ઓનલાઇન ચૂકવ્યા હતા. આ પછી આરોપીઓ દ્વારા ૮ એપ્રિલથી શરૂ થનારી બેચ માટે લિંક મોકલી ફરીથી પેમેન્ટ કરવા જણાવ્યું હતું. અગાઉના પેમેન્ટની વિગતો એપમાં દેખાતી હોવાથી વિશ્વાસમાં આવી ફરિયાદીએ તા. ૭ એપ્રિલ ૨૦૨૪ના રોજ યુપીઆઈ મારફતે રૂ.૧૧,૦૦૦/- ઓનલાઈન ચૂકવ્યા હતા.પરંતુ રકમ ચુકવ્યા બાદ પણ એપ્લિકેશનમાં એનરોલમેન્ટ અથવા પેમેન્ટનું અપડેટ દેખાયું નહોતું તેમજ દીકરીની ક્લાસ પણ શરૂ થઈ નહોતી. આ અંગે આરોપીઓને અનેક વખત ફોન કરવા છતાં તેઓ કોઈ બહાના હેઠળ વાતને ટાળતા હતા. જેથી ફરિયાદીને પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થયા અંગે જણાયું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે ભોગ બનનારની ફરિયાદને આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









