દારૂની વિવિધ બ્રાન્ડની ૪,૨૨૩ બોટલ સાથે રૂ.૧૫.૧૪ લાખનો મુદામાલ કબજે કર્યો.
હળવદ પોલીસે અમદાવાદ-હળવદ હાઇવે પર સુખપર ગામ નજીક ટ્રકમાં માટીની આડમાં છુપાવી લાવવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. પોલીસે ૪,૨૨૩ બોટલ દારૂ સહિત કુલ રૂ.૧૫,૧૪,૧૬૫/-નો મુદામાલ કબજે કરી ટ્રક ચાલક આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ આ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર સહિતના આરોપીઓને પકડી લેવા હળવદ પોલીસે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી જીલ્લામાં પ્રોહીબીશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને હળવદ પોલીસે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. જેમાં હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે મળેલી બાતમીના આધારે અમદાવાદ-હળવદ માળીયા હાઇવે પર સુખપર ગામ નજીક રામદેવ હોટલના પાર્કિંગમાં ઉભેલી અશોક લેલેન્ડ ટ્રક રજી.નં. આરજે-૫૨-જીએ-૯૨૦૪ ની તલાસી લેતા, ટ્રકમાં સફેદ પાવડર (માટી)ની આડમાં છુપાવી રાખવામાં આવેલી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૪,૨૨૩ બોટલ કિ.રૂ.૪,૬૪,૬૦૦/- મળી આવી હતી. આ સાથે પોલીસે વિદેશી દારૂ ઉપરાંત ટ્રક, મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂ.૧૫,૧૪,૧૬૫/-નો મુદામાલ કબજે કર્યો હતો. આ મામલે ટ્રક ચાલક આરોપી જાન મહમદ અબ્દુલ રસીદ મેવ રહે.નીમલી તા.તિજારા જી.અલવર રાજસ્થાન વાળાને ઝડપી લઈ તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા, હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ, પીએસઆઈ આર.બી. ટાપરીયા સહિત હળવદ પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.









