રણકાંઠાના વિસ્તારોમાં પાણીની સુનિશ્ચિતતા માટે પ્રાધાન્ય આપવા પર ભાર મુકાયો.
મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ વ્યાપક અને સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુથી જીલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSC) અને જીલ્લા જલ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સુવિધા માટે પાણી પુરવઠાના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન હળવદ તાલુકાના કોયબા (હરિપર) ખાતે બોર શારકામ અને પમ્પિંગ મશીનરી તેમજ મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે હયાત બોર પર નવી મશીનરી બેસાડવાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. કલેક્ટરે રણકાંઠાના છેવાડાના ગામોમાં પીવાના પાણીની કોઈ સમસ્યા ન આવે તે બાબતે ખાસ સૂચના આપી હતી. ઉપરાંત ઘોડાધ્રોઈ ડેમ આધારિત ૮ ગામોના જૂથ માટેની યોજના અને માળિયા-હળવદ તાલુકાની વિવિધ રજૂઆતોના હકારાત્મક નિકાલ તથા જલ અર્પણ કાર્યક્રમ અને ગતિ શક્તિ પોર્ટલની પ્રગતિ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી, જીલ્લા પાણી પુરવઠા અધિકારી અને વાસ્મોના યુનિટ મેનેજર એમ.એસ. દામા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.વી. શ્રીવસ્તાવ અને સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









