હળવદ-મોરબી હાઈવે પર ચરાડવા ગામ પાસે ટ્રક ટ્રેઇલરે બાઈકને હડફેટે લેતાં યુવાનનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રકનો ચાલક વાહન મુકીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હળવદ-મોરબી હાઈવે રોડ પર ચરાડવા ગામના ઉગમણા ઝાપે દલવાડી સમાજની વાડી પાસે અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગત તા. ૯ માર્ચના રોજ ટ્રક ટ્રેઇલર રજી.નં. એચઆર-૩૮-એબી-૦૪૭૮ ના ચાલકે પોતાના હવાલા વાળું વાહન બેદરકારીપૂર્વક અને પુરઝડપે ચલાવી આવી બાઈકને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક કુલદીપસિંહ ઉમેદસિંહ અસ્વારને માથા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. અકસ્માત સર્જી ટ્રક ટ્રેઇલરનો ચાલક વાહન મુકીને ફરાર થઈ ગયો હતો. હાલ અકસ્માતના બનાવ મામલે મૃતકના કાકા ગુલાબસિંહ રામભા અસ્વાર રહે. પાંડાતીરથ તા. હળવદ વાળાની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









