વાડીએથી જવાની ના પાડતાં લાફા મારી પથ્થરમારો કર્યો, હળવદ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો.
હળવદ તાલુકાના રાણેકપર ગામે પારકી પંચાત કરી ખેત શ્રમિકને વાડીએથી જતા રહેવાનું કહેતા, જે બાબતે ખેત શ્રમિકે વાડીએથી જવાની ના પાડતાં આરોપીએ લાફા મારી પથ્થરમારો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. બનાવ અંગે હળવદ પોલીસે આરોપી સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામના ટેકરા ફળીયા ખાતેના રહેવાસી અને હાલ રાણેકપર ગામની સીમમાં સુખદેવભાઈ લાલજીભાઈ પટેલની વાડીએ છેલ્લા લગભગ ૨૦ વર્ષથી મજૂરી કરતા મુકેશભાઈ કાંતીભાઈ ભીલ ઉવ.૪૪ એ ફરિયાદ નોંધાવી કે,આશરે ત્રણ મહિના પહેલા રાણેકપર ગામના આરોપી કરશનભાઈ લાલજીભાઈ પટેલે તેમને તેના ભાઈ સુખદેવભાઈની વાડીએથી જતા રહેવાનું કહ્યું હતું, પરંતુ તેમણે વાડીએથી જવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તા.૧૩/૦૩ના રોજ સાંજે આરોપી કરશનભાઇ પટેલ ફરી વાડીએ આવી ફરિયાદીને બે લાફા માર્યા હતા. પછી તા.૧૪/૦૩ના રોજ આરોપીએ ફોન કરી ફરીથી ધમકી આપી હતી કે, વાડીએથી નહિ જાઓ તો ગાડી ચડાવીને મારી નાખીશ. ત્યારબાદ બપોરે ફરી આરોપી કરશનભાઇ વાડીએ આવી હરેશભાઈને ગાળો આપી, પથ્થરમારો કર્યો હતો, જેમાં ફરિયાદીને પીઠના ભાગે ઈજા પહોંચી હતી. બનાવ અંગે હળવદ પોલીસે આરોપી કરશનભાઈ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, જી.પી. એક્ટ તેમજ એટ્રોસિટી અધિનિયમ કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









