મોરબી-માળીયા રોડ પર ભરતનગર ફાર્મ નજીક રોંગસાઇડમાં પૂરઝડપે આવેલા બાઇકચાલકે અન્ય બાઇકને ટક્કર મારતા દંપતી ઇજાગ્રસ્ત થયું હતું. અકસ્માત બાદ અજાણ્યો બાઇકચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ જતા હાલ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના સજ્જનપર (ઘુનડા) ગામના અરવિંદભાઈ માવજીભાઈ જાદવ ઉવ.૪૭ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પત્ની ગીતાબેન સાથે પોતાનું એચએફ ડિલક્ષ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-કે-૩૨૮૮ લઈને ગત તા.૨૮ જૂનના રોજ અમરનગર નજીક આવેલા કેડા સિરામિકથી મોરબી પરત ફરી રહ્યા હતા. ત્યારે ભરતનગર ફાર્મ સામે રોડની કટ પાસે પહોંચતા સામેથી રોંગસાઇડમાં પૂરઝડપે અને બેફિકરાઈથી આવેલા અજાણ્યા બાઇકચાલકે તેમના બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને રોડ પર પટકાતા પસાર તે દરમિયાન ત્યાંથી થઈ રહેલા ટ્રક કન્ટેનરની અડફેટે ગીતાબેનનો ડાબો હાથ આવી ગયો હતો. જેમાં તેમને હાથ તથા પાસળીમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે અરવિંદભાઈને માથા, પગ અને શરીરે ઇજાઓ પહોંચી હતી.
બંનેને પ્રથમ મોરબીની સમર્પણ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો બાઇકચાલક ફરાર થઈ ગયો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે ઇજાગ્રસ્ત અરવિંદભાઈની ફરિયાદને આધારે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.






