લાખો રૂપિયાનું વ્યાજ ચુકવ્યા બાદ પણ ધાક ધમકી, મકાનનો દસ્તાવેજ પણ કબ્જે રાખ્યાનો આક્ષેપ.
મોરબીમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વેપારી યુવકે પાંચ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ લાખો રૂપિયાનું વ્યાજ ચૂકવ્યા છતાં આરોપીઓ દ્વારા પઠાણી ઉઘરાણી, ધમકી અને માનસિક ત્રાસ આપવામાં આવ્યા અંગે સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે પાંચેય વ્યાજખોર સામે નાણા ધીરધાર બાબત અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ધર્મલાભ સોસાયટી શનાળા ખાતે રહેતા ધારેશભાઈ બચુભાઈ કૈડે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી દેવશીભાઈ બીજલભાઈ વેરાણા રહે. મકનસર તા.જી.મોરબી, હર્ષદભાઇ પોલાભાઈ ટમારીયા રહે. બોડકા તા.જોડીયા જી.જામનગર, મયુર ઉર્ફે દેવો દિલીપભાઈ કારોતરા રહે.રબારી વાસ જેલ રોડ મોરબી, રમેશભાઈ મનાભાઈ વાંક રહે. શનાળા રોડ હાઉસિંગ, ભરતભાઇ હેમુભાઈ સોલંકી રહે. મોરબી જીઆઇડીસીના નાકે એમ પાંચ વ્યાજખોરો સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમણે ધંધામાં આર્થિક જરૂરિયાતને લઈને અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી કરોડોની રકમ ઊંચા વ્યાજે લીધી હતી અને અત્યાર સુધીમાં લાખો રૂપિયાનું વ્યાજ ચુકવી દીધું હોવા છતાં આરોપીઓ સતત વધુ રકમની માંગણી કરી રહ્યા હતા. આરોપીઓ દ્વારા ફોન પર ગાળાગાળી કરી ધમકી આપવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા. આ દરમિયાન એક આરોપીએ ફરિયાદીની દુકાન અને તેના પત્નીના નામના મકાનના અસલ દસ્તાવેજો પણ પોતાના કબ્જામાં રાખ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.









