સરકારી કચેરીઓ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર પ્રિવેન્શન તાલીમ, સેફ્ટી ચેકિંગ અને એનઓસી વગરની બિલ્ડિંગોને નોટિસ.
મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખાએ સરકારી કચેરીઓ અને ઇન્ડસ્ટ્રીઝમાં કર્મચારીઓને ફાયર સેફ્ટીની તાલીમ આપી હતી. સાથે ફાયર હોઝ ડ્રિલ અને સેફ્ટી ચેકિંગ અભિયાન હાથ ધરી લોકોને આગથી બચાવ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તેમાં ૨ સરકારી કચેરીના ૪૮ કર્મચારીઓ અને ૧ ઇન્ડસ્ટ્રીઝના ૯૭ કર્મચારીઓને ફાયર પ્રિવેન્શન અંગે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન આગ લાગ્યાની પરિસ્થિતિમાં પ્રાથમિક પ્રતિસાદ અને સલામતીના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે સમાજવાડી, કોમ્પ્લેક્સ અને ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી હતી. ફાયર એનઓસી વગરની બિલ્ડિંગોને નોટિસ આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અગાઉ અપાયેલી નોટિસના પગલે ૧૯૨ કોમ્પ્લેક્સ અને ૩૮ સમાજવાડીમાં ફાયર સેફ્ટી સિસ્ટમ સ્થાપિત કરાઈ છે.
આ ઉપરાંત તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ એલ.ઈ. કોલેજ નજીક ફાયર હોઝ ડ્રિલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જવાનો દ્વારા ઝડપી પ્રતિસાદ, હોઝ પાઇપ હેન્ડલિંગ, નોઝલ ઓપરેશન અને ટીમ વર્ક જેવી કુશળતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આધુનિક ફાયર ફાઈટીંગ સાધનો સાથે કરવામાં આવેલી આ ડ્રિલથી જવાનોની ટેકનિકલ તૈયારીનું મૂલ્યાંકન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓથી જવાનોમાં આત્મવિશ્વાસ વધે છે અને આગ જેવી ઇમરજન્સીમાં વધુ અસરકારક રીતે કામગીરી કરી શકાય છે. મોરબીમાં તાજેતરમાં ૪ આગના બનાવ અને ૧ રેસ્ક્યુ કોલ નોંધાયા હતા, જેમાં ફાયર ટીમે સંપૂર્ણ સુરક્ષા સાધનો સાથે કામગીરી કરી હતી. આ સાથે આપાતકાલીન સ્થિતિમાં નાગરિકોને ફાયર બ્રિગેડના ૧૦૧, ૧૧૨ અથવા (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ નંબર પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.









