મોરબીમાં ઉદ્યોગકારોને સુરક્ષા અને સાવચેતી અંગે જાગૃત કરવા પોલીસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક સૂચનો આપવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ગત તા.16/03/2026ના રોજ એસોસિએશન હોલ ખાતે મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, ડીવાયએસપી સમીર સારડા સહિતના અધિકારીઓ અને ઉદ્યોગકારો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ કરીને ઉદ્યોગો શટડાઉન દરમિયાન રાખવાની કાળજી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં એસપી દ્વારા ઉદ્યોગકારોને માર્ગદર્શન આપતા જણાવાયું હતું કે, હાલની પરિસ્થિતિમાં અનેક સિરામિક યુનિટો બંધ થઈ રહ્યા છે. ત્યારે દરરોજ એક ભાગીદાર દ્વારા યુનિટની મુલાકાત લેવી અને રોડ સાઇડના સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા જરૂરી છે. સાથે જ કંપનીના પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાની પણ સલાહ આપવામાં આવી હતી. જેથી જાનમાલનું રક્ષણ થઈ શકે. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને શક્ય હોય ત્યાં સુધી કાર શેરિંગ કરવાની અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત મજૂરો સાથે કોઈ વિવાદ સર્જાય તો શાંતિપૂર્ણ રીતે તેનો ઉકેલ લાવવા અને કોઈ પણ પરિસ્થિતિમાં કાયદો હાથમાં ન લેવા પણ તાકીદ કરવામાં આવી હતી. ચોરી કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તરત જ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠક દ્વારા ઉદ્યોગકારોને સચેત રહેવા અને સંયમથી પરિસ્થિતિનો સામનો કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.









