મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી) હેઠળ બીએલસી ઘટક અંતર્ગત ૪૯૦ આવાસોને મંજુરી આપવામાં આવી છે. તેમાંના અનેક આવાસોના બાંધકામ કામો હાલમાં વિવિધ તબક્કામાં પ્રગતિમાં છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી) હેઠળ બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન (BLC) ઘટક હેઠળ કુલ ૪૯૦ આવાસોના ડીપીઆરને મંજુરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત નેશનલ બિલ્ડિંગ કોડ મુજબ ૩૦ થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તારમાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું તથા શૌચાલય-બાથરૂમ જેવી મૂળભૂત સુવિધાઓ સાથે પાકા મકાનનું બાંધકામ કરવામાં આવશે.
યોજનાના લાભાર્થીઓ સાથે ત્રિપક્ષીય કરારની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. હાલ ૭૭ આવાસોના કામો પ્લીન્થ લેવલ ઉપર, ૨૮ આવાસ લીન્ટલ લેવલ ઉપર અને ૨ આવાસ સ્લેબ લેવલ ઉપર બાંધકામની કામગીરી હેઠળ છે, જે લાભાર્થીઓની આગેવાનીમાં આગળ વધી રહી છે. આ ઉપરાંત, યોજના મુજબ દરેક આવાસ માટે સરકાર દ્વારા કુલ રૂ.૪ લાખની સહાય ચાર તબક્કામાં આપવામાં આવશે, જેનાથી આર્થિક રીતે નબળા વર્ગોને પોતાનું ઘર બનાવવામાં સહાય મળશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.









