ખેડૂતોને યોગ્ય વળતર અને સુરક્ષાની માંગ સાથે હસ્તક્ષેપ કરવા અપીલ: આંદોલનનો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી.
મોરબીના જેતપર (મચ્છુ) ખાતે ખેતરમાં નાખવામાં આવતા વીજ થાંભલાના વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનનો સુખદ અંત આવે તે માટે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરી છે. તેમણે ખેડૂતોની માંગણીઓને યોગ્ય ગણાવી કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી ઉચિત નિર્ણય લે તેવી અપીલ કરી છે.
મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે વીજ થાંભલાના મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આંદોલનનો સુખદ અંત લાવવા હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે છેલ્લા ૧૩ દિવસથી ગામમાં અઢારેય વર્ણના લોકો શાંતિપૂર્ણ અને બિનરાજકીય રીતે આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલનમાં વૃદ્ધો, મહિલાઓ, બાળકો, સંતો, મૌલવીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, સરપંચો તેમજ શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનો પણ જોડાઈ ખેડૂતોને સમર્થન આપી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું છે.
લાલજીભાઈ મહેતાએ ખેડૂતોની મુખ્ય માંગણી યોગ્ય વળતરની હોવાનું જણાવી કહ્યું છે કે ખેડૂતોની જમીનમાં વીજ થાંભલા ઉભા થતાં તેમની આજીવિકા પર અસર પડે છે. ઉપરાંત ખેતરમાં વીજ પોલ અને વીજ લાઈન હોવાથી અકસ્માતનો ભય પણ રહે છે. તેથી યોગ્ય વળતર ઉપરાંત ખેતી સાથે સંકળાયેલા એક પરિવારના ત્રણ સભ્યોને વીમા સુરક્ષા આપવામાં આવે અને તેનું પ્રીમિયમ વીજ કંપની દ્વારા ચૂકવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. તેમણે પત્રમાં સરકાર અને ખેડૂતો વચ્ચે વહેલી તકે સમાધાન થાય અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે. સાથે જ વડાપ્રધાન આ મામલે રસ લઈ યોગ્ય હસ્તક્ષેપ કરશે તો આંદોલનનો સુખદ અંત આવશે અને ખેડૂતોને ન્યાય મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.






