Thursday, April 2, 2026
HomeGujaratમોરબીમાં ગેસના ભાવમાં બમણાથી વધુ વધારો, ૧૬૧ વોલ ટાઈલ્સ યુનિટો વધુ એક...

મોરબીમાં ગેસના ભાવમાં બમણાથી વધુ વધારો, ૧૬૧ વોલ ટાઈલ્સ યુનિટો વધુ એક માસ માટે બંધ

વોલ ટાઈલ્સ એસોસિએશનની મીટિંગમાં નિર્ણય, ૧ મે સુધી ઉત્પાદન બંધ રખાશે, ગેસના ભાવ ૪૧થી વધીને ૯૨ રૂપિયા.

- Advertisement -
- Advertisement -

મોરબીના સિરામિક ઉદ્યોગ પર ગેસના ભાવમાં થયેલા બમણાથી વધુ વધારાનો ભારે પ્રભાવ પડ્યો છે. વોલ ટાઈલ્સ એસોસિએશનની બેઠકમાં ૧૬૧ યુનિટો ૧ મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગેસના ઊંચા ભાવ, પ્રોપેન-એલપીજી સપ્લાય બંધ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે ઉદ્યોગ સંકટમાં મુકાયો છે.

મોરબી જે વિશ્વભરમાં સિરામિક ઉદ્યોગ માટે જાણીતા સીટી તરીકે ઓળખાય છે, ત્યાં હાલ ગેસના ભાવમાં થયેલા ભારે વધારાને કારણે ઉદ્યોગ ઉપર ગંભીર અસર પડી છે. મોરબી વોલ ટાઈલ્સ એસોસિએશનની તાજેતરમાં યોજાયેલી મીટિંગમાં ૧ મે સુધી તમામ ૧૬૧ વોલ ટાઈલ્સ યુનિટોને બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ઉદ્યોગકારોએ ગેસના વધતા ભાવ અને સપ્લાય સમસ્યાઓ અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી. અગાઉ ગેસનો ભાવ રૂ.૪૧.૫૦ હતો, જે વધીને હાલ રૂ.૯૨ સુધી પહોંચ્યો છે, એટલે કે બમણાથી પણ વધુ વધારો નોંધાયો છે. આટલો ભારે ભાવવધારો ઉદ્યોગકારો માટે અસહ્ય બન્યો છે.

ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, ફેબ્રુઆરી માસમાં આશરે ૨૦ લાખ ક્યુબિક મીટર ગેસનો ઉપયોગ લગભગ ૨૦૦ યુનિટો દ્વારા થતો હતો, જ્યારે અન્ય યુનિટો પ્રોપેન અને એલપીજીનો ઉપયોગ કરતા હતા. હાલ પ્રોપેન અને એલપીજીની સપ્લાય સંપૂર્ણ રીતે બંધ હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની છે. હાલમાં માત્ર ૪૦ જેટલા યુનિટો જ ચાલુ છે, જ્યારે બાકીના તમામ યુનિટો બંધ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન-અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના તણાવને કારણે ગેસ સપ્લાય પર અસર પડી છે, જેના કારણે માર્ચ મહિનાથી જ સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં આવી ગયો હતો. ૧૫ માર્ચ પછીથી મોટાભાગના યુનિટો બંધ કરવાની ફરજ પડી હતી અને હવે એપ્રિલ માસથી ભાવવધારા બાદ સંપૂર્ણ બંધનો નિર્ણય લેવાયો છે.

ઉદ્યોગકારોએ વધુમાં જણાવ્યું હતું કે, ગલ્ફ દેશોમાં આશરે ૨૫ ટકા એક્સપોર્ટ થતો હતો, પરંતુ વધતા ખર્ચને કારણે હવે ચીન સામે સ્પર્ધા કરવી મુશ્કેલ બની છે. જો ગેસના ભાવમાં ઘટાડો થાય અથવા સરકાર દ્વારા વેટમાં રાહત આપવામાં આવે તો જ ઉદ્યોગ ફરીથી શરૂ કરી શકાય તેવી સ્થિતિ સર્જાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!