હળવદના દીઘડીયા ગામ નજીક ફૂલ સ્પીડે આવતા મોટર સાયકલ સામેથી આવતા અન્ય મોટર સાયકલ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતના બનાવમાં બાઇક પાછળ બેઠેલ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બન્ને બાઇકને ચાલક ઘાયલ થયા હતા. હાલ અકસ્માતના બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હળવદ તાલુકાના દીઘડીયા ગામ નજીક ભલગામડા-દીઘડીયા રોડ ઉપર બનેલા અકસ્માતમાં બે મોટરસાયકલ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. જે અકસ્માત બાબતે હળવદ પોલીસ મથકમાં દીઘડીયા ગામે રહેતા બાબુભાઈ નથુભાઈ કાંજીયા ઉવ.૬૦ની ફરિયાદ મુજબ, ગત તા.૧૫/૦૩ના રોજ ફરિયાદી બાબુભાઇ પોતાના નાનાભાઈ ખોડાભાઈ સાથે બાઈક રજી.નં. જીજે-૦૬-સીક્યુ-૯૨૪૯ ઉપર જતા હતા ત્યારે દીઘડીયા-ભલગામડા રોડ ઉપર સામેથી આવી રહેલ બાઈક રજી.નં. જીજે-૦૩-એફએચ-૯૪૬૦ના ચાલકે પોતાનું બાઇક પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી આવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાબુભાઈને માથા અને હાથમાં ઈજા પહોંચી હતી, જ્યારે તેમના નાનાભાઈ ખોડાભાઈને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં આરોપી બાઈકચાલક પણ ઘાયલ થયો હતો. ત્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્તોને પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ અને બાદમાં સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ખોડાભાઈનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









