ટંકારા નજીક હીરાપર ગામ પાસે બાઇક ચાલકે પોતાનું વાહન બેફામ ગતિએ ચલાવી આવી સામેથી આવતા ટ્રકમાં ભટકાડી દીધું હતું. ત્યારે ટ્રક અને બાઈક વચ્ચે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ ટ્રક ચાલકની ફરિયાદનેબાધારે ટંકારા પોલીસે આરોપી મૃતક બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા તાલુકાના હીરાપર ગામ નજીક લતીપર-ટંકારા રોડ પર તા. ૨૯ માર્ચના રોજ બપોરે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત અંગેની મળતી માહિતી મુજબ, ટ્રક ડ્રાઈવર મુસ્તાક ઉર્ફે મુક્કદર મુસાભાઈ પટેલ રહે.શીરપુર જી.ધુલીયા રાજ્ય-મહારાષ્ટ્ર પોતાનો ટ્રક રજી.નં. એમએચ-૧૮-એપી-૭૮૯૧ લઈને મોરબી તરફ જતો હતો, ત્યારે સામે તરફથી આવી રહેલ હોન્ડા સાઇન મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-ડી-૨૩૦૮ના ચાલકે પુરઝડપે અને બેદરકારીપૂર્વક પોતાનું બાઇક ચલાવી ટ્રકના કેબીનના ડાબા બમ્પર સાથે અથડાયો હતો.
અકસ્માતમાં બાઈક ચાલક હિતેષભાઈ હીરાભાઈ પરમાર રહે. નેસડા(સુ) તા. ટંકારા વાળાને માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. હાલ અકસ્માત અંગે પોલીસે આરોપી મૃતક બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









