અગાઉની ફરિયાદ બાદ સામસામી ફરિયાદમાં કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધાયો.
મોરબીના વાવડી રોડ વિસ્તારમાં મિલન પાર્કના નાકે ગત તા.૩૦/૦૩ના રોજ જૂની અદાવતનો ખાર રાખી ફિલ્મી અંદાજમાં થયેલ મારમારીમાં રાજકોટ ખાતે સારવારમાં રહેલ ઈજાગ્રસ્ત યુવાને પાંચ ઈસમો સામે વળતી ફરિયાદ નોંધાવી છે. અગાઉ આ જ બનાવમાં ફરિયાદી સહિત બે સામે કેસ નોંધાયો હતો, જેથી હવે કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.
મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ મિલન પાર્ક સોસાયટી નજીક જૂની અદાવતને કારણે મારામારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઈજાગ્રસ્ત શાહરૂખ આરિફભાઈ પરમાર ઉવ.૩૩ રહે. મિલન પાર્ક શેરી નં.૩ વાવડી રોડ વાળા દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આપેલી ફરિયાદમાં આરોપી (૧)સિકંદર ઉર્ફે સિકલો, (૨)સમીર રાઉમા, (૩)જુનેદ ઉર્ફે લાલો, (૪)જુબેર ઉર્ફે બબુડો તથા (૫)અકરમ રહે. બધા મોરબી વાળાએ ગત તા.૩૦/૦૩ના રોજ રાત્રે વાવડી રોડ મિલન પાર્કના નાકે આવેલ ખોડીયાર ટી સ્ટોલ પાસે ચા પીતા હોય તે દરમિયાન આરોપી સિકંદર ઉર્ફે સિકલો અને સમીર રાઉમા એક્ટીવા પર આવી પહોંચ્યા હતા, અને જુની અદાવતના મનદુઃખને કારણે બોલાચાલી થઈ હતી, જે બાદ ઝપાઝપીમાં બંનેએ ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ દરમિયાન આરોપી સમીર અને સિકંદરે છરીથી ખંભા અને સાથળમાં ઇજા પહોંચાડી હતી. ત્યારે લોકો એકઠા થઇ જતા બંને આરોપીઓ ભાગી ગયા હતા. બાદમાં અન્ય આરોપી જુબેર ઉર્ફે બબુડો, જુનેદ ઉર્ફે લાલો અને અકરમ સ્થળ પર આવી ગાળો બોલી લાકડાના ધોકા અને ઢીકા પાટુથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.
હુમલામાં ઈજાગ્રસ્ત ફરિયાદી શાહરુખને પહેલા મોરબી સિવિલ હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ફેક્ચર સહિતની ઈજાઓ નોંધાઈ છે. હાલ બનાવ અંગે અગાઉ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શાહરૂખ પરમાર અને અન્ય ઈરફાન ઘાંચી સામે પણ ફરિયાદ નોંધાઈ હતી. હાલ વળતી ફરિયાદના આધારે પોલીસે ઉપરોક્ત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.









