વહેલી સવારે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે ઉપર રફાળેશ્વર નજીક ટ્રકના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ક્લીનરને સામાન્ય ઈજા પહોંચી હતી. હાલ પોલીસે મૃતક ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી નજીક વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર રફાળેશ્વર ગામ પાસે વહેલી સવારે ટ્રક પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ટ્રક ચાલક પ્રદીપભાઈ મહાવીરપ્રસાદ બીબાન રહે. રાજસ્થાન વાળાએ સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી મારી ગયો હતો, જેમાં ચાલક પ્રદીપભાઈ બીબાન ટ્રકમાં જ દબાઈ જતા તેમને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે ટ્રક ક્લીનર જયપ્રકાશ ઉર્ફે વિકાસ લાલચંદ બીબાન ઉવ.૨૬ રહે.ગામ અનુપશહેર તા.ભાદરા જી.હનુમાનગઢ(રાજસ્થાન) વાળા ટ્રકના આગળના કાચમાંથી બહાર ફેંકાઈ જતા તેમને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટના બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ટ્રક ચાલક પ્રદીપભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારે તાલુકા પોલીસે અકસ્માતના આ બનાવ અંગે ક્લીનરની ફરિયાદને આધારે ટ્રક ચાલક મૃતક પ્રદીપભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









