વાંકાનેર તાલુકાના ભલગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીની હેરફેર અને સંગ્રહ કરતા એક ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કરતા ક્રાઈમ બ્રાંચ મોરબી અને વાંકાનેર પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી મોટી સફળતા મેળવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અને મોરબી જિલ્લા એસ.પી.ના માર્ગદર્શન હેઠળ જ્વલનશીલ અને પેટ્રોલિયમ પ્રવાહીઓ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. વી.જી. માલાણી અને ટીમને બાતમી મળી હતી કે, ભલગામ પાસે માલકીયા હોટલ નજીક આવેલ એચ.એમ. એન્ટરપ્રાઇઝ ખાતે ગેરરીતે જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો સંગ્રહ કરી ટેન્કર મારફતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા તથા વાંકાનેર પોલીસ સાથે સંયુક્ત રેઇડ કરતા સ્થળ પરથી બિલ વગરનો જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો, ટેન્કર, સાધનો અને અન્ય સામાન મળી કુલ રૂપિયા ૪૮.૩૩ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે અજીતસિંહ નવધણસિંહ જાડેજા, રવિભાઇ દાદભાઇ ધાધલ, નરેન્દ્રભાઇ પ્રવિણચંદ્ર જોષી, નયનભાઇ મોહનભાઇ મકવાણા તથા નયનભાઇ વિજયભાઇ વાળા નામના પાંચ ઇસમોને પકડી પાડી તેમની સામે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬(૧) મુજબ કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









