નર્મદા જિલ્લામાં એસ.ઓ.જી. દ્વારા ગાંજાના ગેરકાયદેસર વાવેતર વિરુદ્ધ કાર્યવાહી કરતા 95 છોડ સાથે એક ઈસમને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા રેન્જ આઈ.જી. સંદીપ સિંહ તથા નર્મદા જિલ્લા એસ.પી. વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ “NO DRUGS IN NARMADA” અભિયાન અંતર્ગત માદક પદાર્થોના ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન એસ.ઓ.જી. નર્મદા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. વાળા અને તેમની ટીમે સાગબારા તાલુકાના ચોપડવાવ ગામે દરોડો પાડી આરોપી રાજકુમાર ઉર્ફે રાજુ બુલાખીભાઈ વસાવાના ખેતરમાંથી મકાઈના પાક વચ્ચે ગેરકાયદેસર રીતે ઉગાડેલા ગાંજાના કુલ 95 છોડ (વજન આશરે 4.680 કિલો, કિંમત રૂ. 2.34 લાખ) તથા એક મોબાઇલ મળી કુલ રૂ. 2,34,500 નો મુદામાલ કબજે કર્યો હતો. આરોપી વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા નાગરિકોને પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે જાણ કરવા અપીલ કરવામાં આવી છે.









