બોટાદ જિલ્લામાં એસ.ઓ.જી. ટીમે ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં કુલ રૂ.60,420નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર અસારી અને બોટાદ જિલ્લા એસ.પી. ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ “NO DRUGS IN BOTAD” અભિયાન અંતર્ગત નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન એસ.ઓ.જી. બોટાદના પોલીસ ઇન્સ્પેક્ટર ટી.બી. હિરાણી તથા તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે, પાળીયાદ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન પ્રદીપસિંહ ભીખુભાઈ ગોહિલના રહેણાંક મકાનમાંથી 1.002 કિલોગ્રામ ગાંજો, મોબાઇલ ફોન, રોકડ રકમ તથા ઇલેક્ટ્રિક વજન કાંટો મળી કુલ રૂ.60,420નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સ્થળ પર હાજર ખરીદી માટે આવેલ રામકુભાઈ કાળુભાઈ ગીડાને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. બંને આરોપીઓ વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









