મોરબી: ગાંધીનગર ખાતે ગુજરાત ગેસ લિમિટેડ સાથે મોરબી સિરામિક ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ગેસના વધતા ભાવ, સપ્લાયની અછત અને કડક નિયમોને લઈને ચર્ચા થઈ હતી. આ સાથે કંપનીએ ભાવ મુદ્દે આગામી ૧૫ એપ્રિલે ફરી બેઠક બોલાવવાની સાથે બેન્ક ગેરંટી અને એમજીઓ વપરાશ નિયમોમાં રાહત આપવા સકારાત્મક સંકેત આપ્યા છે, જે ઉદ્યોગ માટે રાહતરૂપ બની શકે છે.
ગાંધીનગરમાં આવેલ ગુજરાત ગેસ લિમિટેડની કચેરીએ મોરબી સિરામિક ઉદ્યોગકારો અને કંપનીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. હાલ ચાલી રહેલી ગેસ સપ્લાયની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં ઉદ્યોગને અસર કરતી વિવિધ સમસ્યાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગુજરાત ગેસના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકાસિંહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મોરબી સિરામિક એસોસિએશન તરફથી પ્રમુખ મનોજભાઈ એરવાડિયા સાથે નરેન્દ્રભાઈ સંગાત, નિલેશભાઈ જેતપરિયા, પરેશભાઈ કુંડારિયા અને વિપુલભાઈ સવસાણી હાજર રહ્યા હતા.
ચર્ચા દરમિયાન ગેસના વધતા ભાવ મુદ્દે કંપનીએ આંતરરાષ્ટ્રીય બજારના પરિબળોને ધ્યાનમાં રાખીને સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. આ મુદ્દે વધુ ચર્ચા માટે ૧૫ એપ્રિલે ફરી બેઠક યોજી અંતિમ નિર્ણય લેવામાં આવશે એવી જાણ કરવામાં આવી હતી. તે ઉપરાંત બેન્ક ગેરંટી અને બિલિંગ સિસ્ટમને લઇને ઉદ્યોગકારોની રજૂઆતને ધ્યાનમાં રાખીને બિલિંગ સાઇકલ ૫ થી ૭ દિવસ કરવા માટે કંપનીએ અનુકૂળ પ્રતિસાદ આપ્યો હતો. એમજીઓ વપરાશના નિયમમાં પણ ૧૦૦ ટકા ફરજિયાત વપરાશમાંથી રાહત આપી ૮૦-૮૫ ટકા વપરાશ માટે મંજૂરી આપવા કંપની તૈયાર હોવાનું જણાયું હતું.
આ ઉપરાંત મોરબી સિરામિક એસોસિએશન આગામી અઠવાડિયામાં નવી દિલ્હીમાં સેન્ટ્રલ ગેસ કમિટી સમક્ષ રૂબરૂ રજૂઆત કરી ઉદ્યોગની સમસ્યાઓ રજૂ કરશે. આ બેઠકને પગલે મોરબી સિરામિક ઉદ્યોગને ભાવ અને નિયમોમાં શક્ય રાહત મળવાની આશા જાગી છે, જે ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.









