મોરબીમાં આગામી મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 52 ઉમેદવારોની ઉપસ્થિતિમાં સંગઠનની શક્તિ અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં આગેવાનોએ જનસેવા અને વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા છેવાડાના માનવી સુધી સુખ-સુવિધા પહોંચાડવા પ્રતિબદ્ધ છે, જ્યારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કાર્યકરોમાં ઉત્સાહ ભરી મોરબીના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવાની અપીલ કરી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયા, પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે તમામ 52 ઉમેદવારોએ જનસેવાનો શપથ લઈ મોરબીના વિકાસને નવી દિશા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, અને કાર્યકરોના ઉત્સાહ વચ્ચે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત થયો હતો.









