મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ પર બોગસ ડોક્ટર બની દવાખાનુ ચલાવતા એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર ડીગ્રી વગર ડોક્ટરી પ્રેક્ટિસ કરતા ઇસમો સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે, રાતાવિરડા રોડ પર રોસા સિરામીક સામે એક ઇસમ સુરેન્દ્રકુમાર રામનરેશ ગુપ્તા નામનો વ્યક્તિ ડીગ્રી વગર એલોપેથીક દવાઓથી દર્દીઓની સારવાર કરી રહ્યો છે. જેના આધારે તબીબી અધિકારી PHC ઢુવાના સહયોગથી સ્થળ પર રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, તબીબી સાધનો સહિત કુલ રૂ. ૪૫,૧૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. ૨૦૨૩ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.









