મોરબી-માળીયા માર્ગ પર ગૌરક્ષક ટીમની સતર્કતાથી અબોલજીવો ભરેલી આઇસર ગાડી પકડી પાડવામાં આવી હતી, જેમાં કતલ માટે લઈ જવાતા કુલ ૩૮ પશુઓ મળી આવ્યા હતા. તેમજ આરોપીને ઝડપી લઈ પોલીસને સોપવામાં આવ્યો હતો અને પશુઓને સુરક્ષિત સ્થળે મુકવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, તા. 14-04-2026 ની રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ તથા સ્થાનિક ગૌરક્ષક ટીમોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કચ્છ તરફથી માળીયા થઈને અમદાવાદ તરફ એક આઇસર ગાડીમાં જીવને કતલ કરવા માટે ગેરકાયદેસર રીતે લઈ જવાઈ રહ્યા છે. જે બાતમીના આધારે ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી. દરમિયાન GJ-06-AT-8168 નંબરની આઇસર ગાડી સ્થળ પરથી નીકળતા તેનો પીછો કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપીએ ગાડી પુરપાટ ઝડપે ભગાડી નાશવાનો પ્રયાસ કર્યો હોવા છતાં ગૌરક્ષકોએ હળવદ થઈ ધાંગધ્રા નજીક ગાડી રોકવામાં સફળતા મેળવી હતી. ગાડીની તપાસ કરતા અંદર ખીચોખીચ ભરેલા કુલ 38 જીવ મળી આવ્યા હતા, જેને ક્રૂરતાપૂર્વક લઈ જવાઈ રહ્યા હતા. ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા ધાંગધ્રા પોલીસ સ્થળ પર પહોંચી આવી હતી અને આરોપીને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આરોપીના સાથીઓ દ્વારા ગૌરક્ષકો પર હુમલો કરવાનો પ્રયાસ પણ થયો હતો, પરંતુ સમયસર પોલીસ પહોંચી જતા પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. તમામ જીવને સુરક્ષિત રીતે મહાજનના સંરક્ષણ હેઠળ મુકવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરીમાં મોરબી, કચ્છ અને ધાંગધ્રાની ગૌરક્ષક ટીમોએ સંયુક્ત રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને પોલીસનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.









