*ત્રણ પીઆઇ, છ પીએસઆઇ સહિત ૨૦૦થી વધુ જીઆરડી જવાનો જોડાયા, ડીવાયએસપીએ ભયમુક્ત થઈ મતદાન કરવા અપીલ કરી*
વાંકાનેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ અને જીઆરડી જવાનો દ્વારા વિશાળ ફ્લેગ માર્ચ યોજાઇ હતી. સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા અને લોકોને વિશ્વાસમાં લેવા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપીએ નિર્ભય બની મતદાન કરવા નાગરિકોને અપીલ કરી છે.
વાંકાનેર પંથકમાં નગરપાલિકા, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જેના ભાગરૂપે વાંકાનેર શહેર તથા તાલુકા વિસ્તારમાં પોલીસ અને જીઆરડીના જવાનો દ્વારા વિશાળ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચમાં ૩ પીઆઇ, ૬ પીએસઆઇ, ૨૦૦ થી ૨૫૦ જેટલા જીઆરડી જવાનો, હોમગાર્ડ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. ફ્લેગ માર્ચ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી દર્શાવી લોકોમાં સુરક્ષાની લાગણી મજબૂત કરવામાં આવી હતી. આ દરમિયાન વાંકાનેર વિભાગ ડીવાયએસપી એસ.એચ.સારડાએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ તેમણે મતદારોને અપીલ કરી હતી કે તેઓ કોઈ ભય વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને.





