માળીયા(મી) નજીક કંડલા-મોરબી હાઈવે પર બંધ હાલતમાં આડસ અને રીફલેક્ટર મૂકી ઉભેલ ટ્રકની પાછળ ખાનગી ટ્રાવેલ્સની બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. બનાવમાં બે મુસાફરો ઇજાગ્રસ્ત થયા જેમાં એક યુવાનને આંખ, નાક અને જડબામાં ગંભીર ઇજા થતા પ્રથમ સામખીયારી, મોરબી બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડતા જ્યાં યુવકનું આંખ અને નાક પાસે ઓપરેશન કરવું પડ્યું હતું. હાલ ઇજાગ્રસ્તના મોટાભાઈની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા(મી) નજીક કંડલા-મોરબી નેશનલ હાઈવે ઉપર દેવ સોલ્ટ સામે ગત તા.૧૨/૦૪ની રાત્રીના સમયે જાનકી ટ્રાવેલ્સ નામની ખાનગી બસ રજી.નં. જીજે-૦૩-એડબલ્યુ-૯૯૮૦ રોડ સાઈડમાં આડસ અને રીફ્લેક્ટર મૂકીને ઉભેલ ટ્રક રજી.નં. જીજે-૩૭-ટી-૧૫૪૫ના પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં રાજકોટના જયભાઈ હદવાણીને આંખ, નાક અને જડબાના ભાગે ગંભીર ઈજાઓ સાથે મલ્ટીપલ ફ્રેક્ચર થયું હતું, જ્યારે અન્ય મુસાફર હરવીજયસિંહ ગોહીલને સામાન્ય ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવારમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જયભાઈએ પોતાની એક આંખની આજીવન દ્રષ્ટિ ગુમાવી હતી, હાલ ઇજાગ્રસ્ત યુવકના મોટાભાઈ નિરજભાઈ અરવિંદભાઈ હદવાણી ઉવ.૩૧ રહે.અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્ક રાજકોટ વાળાની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે આરોપી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





