વિદ્યાર્થીઓની પ્રતિભાને મળ્યુ માન, ટોપર્સ સહિત વિવિધ ક્ષેત્રના વિજેતાઓ સન્માનિત.
મોરબીની નવયુગ વિદ્યાલયમાં વર્ષ ૨૦૨૬નો “સિતારે નવયુગ” ઇનામ વિતરણ સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો. પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની હાજરીમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સ્પર્ધાત્મક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોરબી સ્થિત પ્રતિષ્ઠિત નવયુગ વિદ્યાલયમાં “વાર્ષિક ઇનામ વિતરણ સન્માન સમારોહ – ૨૦૨૬” અંતર્ગત “સિતારે નવયુગ” કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર અને ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે નવયુગ ગ્રુપના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈની પ્રેરક હાજરીએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું. કાર્યક્રમમાં નવયુગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવો જેમ કે વીએચપી અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા, ડૉ. વૈશાલીબેન વડનગરા, ડૉ. તૃપ્તિબેન સાવરીયા, ડૉ. ઉત્તમભાઈ ઉઘરેજા, રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક કમલેશભાઈ દલસાણીયા તથા એડવોકેટ ધ્રુમિલભાઈ ભીમાણી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પોતાના હસ્તે ઇનામો અર્પણ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
એસએસસી અને એચએસસી બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સર્જનાત્મક અને મનોરંજક કાર્યક્રમોએ સમગ્ર સમારોહને યાદગાર બનાવી દીધો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમની ભવ્યતા વધવા સાથે વિદ્યાર્થીઓના ઉત્સાહમાં દ્વિગુણ વધારો જોવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ મેનેજિંગ ડિરેક્ટર નિલેશભાઈ અઘારા અને પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ સંતોકીના માર્ગદર્શન હેઠળ શિક્ષકો તથા સ્ટાફના સમર્પિત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.





