મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે ઉપર માર્ગ અકસ્માતમાં પરપ્રાંતિય એક યુવકનું મોત નીપજ્યું હતું, જેમાં રફાળેશ્વર નજીક સુપર કેરી વાહન રિક્ષાની પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું જ્યારે રીક્ષા ચાલક સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હાલ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે ઉપર રફાળેશ્વર ગામ નજીક થયેલ અકસ્માત અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી મુકેશભાઈ રમેશભાઈ સોલંકી રહે. નીચી માંડલ વાળાના જણાવ્યા મુજબ, ગઈકાલ તા.૩૦/૦૪ના રોજ તેઓ પોતાની સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-ડબલ્યુ-૨૨૧૫માં મુસાફરોને લઈ વાંકાનેરથી નીચી માંડલ તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરઝડપે આવેલા સુપર કેરી વાહન રજી.નં. જીજે-૨૭-ટીજી-૬૪૭૪ના ચાલકે પોતાનું વાહન બેદરકારી અને બેફિકરાઈથી ચલાવી આવી રિક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ફરિયાદી મુકેશભાઈને હાથ, પગ અને માથામાં ઈજાઓ પહોંચી હતી, જ્યારે રિક્ષામાં બેઠેલા રબીભાઈને ગંભીર ઈજા થતાં રાજકોટ ખસેડાયા હતા. આ ઉપરાંત ઉત્તમકુમાર નામના યુવકને ગંભીર ઈજાઓ થતા, તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ ઘાયલ રીક્ષા ચાલકની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી સુપર કેરી વાહનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.





