“ગુજરાત વિશ્વ ફલક પર ગૌરવવંતું સ્થાન ધરાવે છે”: જીલ્લા ભાજપ આગેવાનોનું સંયુક્ત નિવેદન.
મોરબી: ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે મોરબી જીલ્લા ભાજપના આગેવાનો દ્વારા વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવી વિકાસયાત્રાને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
૧ મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મોરબી જીલ્લા ભાજપ પરિવાર દ્વારા વિશ્વભરમાં વસતા તમામ ગુજરાતીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે. જીલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયા, પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, મહામંત્રી નિર્મલભાઈ જારીયા તેમજ મહામંત્રીઓ તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ગુજરાત આજે વિશ્વ ફલક ઉપર આગવું અને ગૌરવવંતું સ્થાન ધરાવે છે. તેમણે જણાવ્યું કે ગુજરાતીઓએ પોતાની મહેનત, સૂઝબૂઝ અને અસ્મિતાના જોરે વિશ્વના ખૂણે-ખૂણે ડંકો વગાડ્યો છે અને રાજ્ય વિકાસના વિવિધ માપદંડોમાં અગ્રેસર રહી ભારતની વિકાસયાત્રાનું એન્જિન બન્યું છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસનો મજબૂત પાયો નખાયો હતો, જેને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વધુ વેગ મળ્યો છે. ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ અને માળખાગત સુવિધાઓમાં ગુજરાત દેશ માટે રોલ મોડલ બન્યું છે. આ સાથે મોરબી જીલ્લો પણ રાજ્યની વિકાસયાત્રામાં મહત્વનો હિસ્સો બની રહ્યો હોવાનું જણાવી આગેવાનોએ આગામી સમયમાં ગુજરાતને વધુ ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અંતમાં તમામ ગુજરાતીઓ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.





