શેરીમાં ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા કૌટુંબિક કાકાએ ભત્રીજા ઉપર કર્યો હુમલો, ૨૬ વર્ષીય યુવકનું મોત.
મોરબી તાલુકાના વનાળીયા ગામે યુવકની છરીના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી હોવા મામલે મૃતકના પિતા દ્વારા અત્રેના તાલુકા પોલીસ નાથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, શેરીમાં ગાળો બોલવા અંગે ભત્રીજાએ ઠપકો આપતા આરોપી કૌટુંબિક કાકાએ ઉશ્કેરાઈ હુમલો કરતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી અને ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાને પગલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકાના વનાળીયા ગામે તા.૩૦ એપ્રિલની રાત્રે બનેલી હત્યાની ઘટનામાં મૃતકના પિતા ગોરધનભાઈ જગાભાઈ રાઠોડ ઉવ.૪૫ રહે.ગામ વનાળીયા તા.જી.મોરબી વાળાએ તેમના પુત્ર મહેશ રાઠોડ ઉવ.૨૬ની હત્યા અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગામની સ્કૂલવાળી શેરીમાં આરોપી સુરેશ કાનજી રાઠોડ જોરજોરથી ગાળો બોલી રહ્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થતા મૃતક મહેશે તેને ગાળો ન બોલવા ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપી સુરેશ કાનજી રાઠોડે પોતાના પાસે રહેલી છરી કાઢી મહેશના છાતી અને પેટના ભાગે ઘા મારી દેતા, મહેશને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જેથી ફરિયાદી સહિતના પરિવારજનો દ્વારા મહેશને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ હત્યાના આ બનાવ અંગે તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





