માળીયા(મી)-જામનગર હાઇવે પર સીએનજી રીક્ષા અને છોટાહાથી વાહન વચ્ચે થયેલ માર્ગ અકસ્માતમાં રીક્ષા સવાર એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે મૃતકની દીકરી અને ભાણેજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હાલ મૃતકના પતિની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે આરોપી છોટાહાથીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી)-જામનગર રોડ પર ચાચાવદરડા ગામ નજીક હાઇવેના વળાંક પર વહેલી સવારે થયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બનાવ મુજબ, શૈલેષભાઈ ઓધવજીભાઈ દામા ઉવ.૩૭ રહે. દિગ્વિજય પ્લોટ ૪૯ રોડ શંકર ટેકરી જામનગર વાળા પોતાના પરિવારજનો સાથે ગત તા.૨૩/૦૪ ના રોજ સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૧૦-ટીઝેડ-૫૮૭૧માં કચ્છ માં નલીયા પાસે આવેલ કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન તા.૨૪/૦૪ ની વહેલી સવારે ચાચાવદરડા ગામ નજીક વળાંકમાં સામેથી આવતા ટાટા ઇન્ટેરા (છોટા હાથી) વાહન રજી. નં. જીજે-૩૬-વી-૯૭૦૯ ના ચાલકે પોતાનું વાહન બેદરકારી અને પુર ઝડપે ચલાવી આવી, સામેથી આવતી ઉપરોક્ત સીએનજી રીક્ષાને સાઇડમાંથી ટક્કર મારતા, સીએનજી રીક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ફરિયાદી શૈલેષભાઇના પત્ની પૂજાબેનને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થતા તેણીનું મોત નિપજ્યું હતું. જ્યારે દિકરી રિધ્ધી અને ભાણેજ મંથનને માથા સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાથી મંથનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. હાલ માળીયા(મી) પોલીસે છોટાહાથી વાહન ચાલક વિરુદ્ધ બીએનએસ તથા મોટર વ્હિકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





