એકને બચાવવા જતા બીજો પણ પાણીમાં ગરકાવ, બે દિવસની શોધખોળ બાદ બંનેના મૃતદેહ બહાર કાઢાયા.
હળવદ માનસર નજીક નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા તમિલનાડુના બે કિશોરોના મૃતદેહ મળી આવતા પરિવારમાં કલ્પાંત મચ્યો છે. એક કિશોર અચાનક કેનાલમાં પડી જતા તેને બચાવવા ગયેલો બીજો પણ ડૂબી ગયો હતો. મોરબી અને હળવદ ફાયર વિભાગની શોધખોળ બાદ બંનેના મૃતદેહ અલગ અલગ દિવસે બહાર કાઢવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ મથકમાં જાહેર કરનાર તરીકે શીવકુમાર ગણેશ ઉવ.૪૩ રહે. વેંગ મંડલમ અંબલકારા શેરી તા. મુસીરી જી. તિરુચીરાપલ્લી તમિલનાડુ વાળાએ માહિતી આપી કે, મરણ પામનાર કિશોરોમાં સિથેશ શીવકુમાર ઉવ.૧૧ અને સુબસ શીવકુમાર ઉવ.૧૩ તા.૩૦/૦૪ના રોજ સવારે હળવદમાં માનસર-મોરબી ચોકડી નજીક આવેલી નર્મદા કેનાલ પાસે બન્ને કિશોરો પાણી ભરવા ગયા હતા. આ દરમિયાન એક કિશોર અચાનક કેનાલમાં પડી જતા તેને બચાવવા જતા બીજો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
બનાવ બાદ તરત જ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક કિશોરનો મૃતદેહ તા.૩૦ એપ્રિલના રોજ મળી આવ્યો હતો, જ્યારે બીજા કિશોરનો મૃતદેહ ગઈકાલ તા.૦૧ મેના રોજ મળી આવ્યો હતો. ત્યારે મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.





